🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Rajika (Black Mustard Seed) – Ayurvedic Medicinal Uses
हिंदी: राई (Black Mustard Seed) के औषधीय गुण और उपयोग
ઘરે ઘરે રોજે-રોજ દાળ-શાક, અથાણામાં વપરાતી રાઈ આમતો કોઈને ભાવે તેવી નથી. હંમેશા અપ્રિય જ રહી હોવા છતાં તેની વિના ચાલતું નથી. પરંપરાથી આવેલ ભરતીય આહાર પધ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધિય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે.
![]()
દોઢ – બે ફૂટ ઊંચા રાઈના છોડ એ તેનાં ફૂલો આવે ત્યારે ખૂબજ સુંદર દેખાય છે. સંસ્કૃતમાં રાજિકા–“રાજી“ એવા નામથી ઓળખતી રાઈ એ તેની વઘારતી વખતે ઊત્પન્ન થતી તીવ્ર સુંગધને કારણે “તીક્ષ્ણગંધા “ તરીકે પણ ઓળખાય છે રાઈ એ ભૂખ લગાડનાર અને રુચિ પેદા કરનાર છે તેથી તેને “ક્ષુજજનિકા” પણ કહેવામાં આવે છે કૃમિનો નાશ કરવાના ગુણથી તેને “કૃમિહત્ “ નામથી પણ ઓળખાય છે લાલ, કાળી અને સફેદ એમ ત્રણ પ્રકારની રાઈમાં કાળી જ વધારે પ્રચલિત છે .
રાઈ ખૂબ જ તીક્ષ્ણ હોવાથી સરસવના તેલમાં રાઈના તેલની ભેળસેળ કરવામાં આવે છે
રાઈએ સ્વાદમાં કડવી અને તીખી છે.તે ગુણ તરીકે ઊષ્ણ –ગરમ, રુક્ષ અને ભારે છે પાચન કરાવવાનો ગુણ હોવા છતાં પોતે પચવામાં ભારે છે તેથી જ તેનો ઊપયોગ વઘારમાં તેલમાં ફોડીને જ કરવામાં આવે છે.રાઈ એ ગરમ હોવાને કારણે પિત્તપ્રકૃતિવાળા ને ગરમ પ્રદેશોમાં તથા એસિડિટી જેવી તકલીફોવાળાને ઓછી અનુકૂળ આવે છે.
રાઈ એ પિત્ત કરનાર હોવાથી તરસના દરદી,અમ્લપિત્ત(એસિડિટી), રક્તપિત્ત, રક્તાર્શ (મસામાં લોહી પડવું), લોહીવા, નસકોરી ફૂટવી, અલ્સર, આધાશીશી, પરિણામશૂલ વગેરે રોગથી પીડાતાં દર્દીને તે રોગમાં વધારો કરે છે.
ગુસ્સો વધારે આવતો હોય,ચીડિયો સ્વભાવ હોય તેવા લોકોએ રાઈનો ઊપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ.
રાઈનાં પાંદડાનું શાક એ તીખું, ગરમ, સ્વાદિષ્ટ, રુચિકર અને પિત્ત કરનાર છે. તે વાયુ, કૃમિ તથા કફને કારણે થયેલ ગળાના રોગોનો નાશ કરે છે. શિયાળાની ઋતુમાં અતિશય ઠંડી પડે ત્યારે અને ખૂબજ ઠંડા વિસ્તારમાં રાઈના પાનની ભાજી એ ખોરાક તરીકે ખૂબ જ માફક આવે તેમ છે .
રાઈ એ સોજો મટાડનાર, વેદના સ્થાપન કરનાર, કૃમિઘ્ન, દીપન-પાચન કરાવનાર, વાયુના શૂળનો નાશ કરનાર તથા વધુ માત્રામાં જો લેવામાં આવે તો તે ઊલટી કરાવનાર પણ છે.
રાઈ એ યકૃત–પ્લીહા– લીવર અને સ્પલીનના સોજાના રોગોમાં પણ સારો એવો ફાયદો કરાવનાર ગુણો ધરાવે છે .આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં રાઈના ઔષધિય ઊપયોગો આ પ્રમાણે દર્શાવેલા જોવા મળે છે .
૧ વિષ પર ઊલટી કરાવવા માટે – ઝેર ચડ્યું હોય તેવી અવસ્થામાં જો ઊલટી કરાવવાની હોય ત્યારે એક ચમચો રાઈનો પાવડર પાણી સાથે પીવડાવવાથી ઊલટી થઈ જાય છે અને જેને કારણે ઊલટી દ્વારા ઝેર બહાર નીકળી જાય છે.
૨ શૂળ –દુખાવો – શરીરના કોઈ પણ ભાગના દુખાવામાં રાઈને બારીક પીસીને તેનો સહેજ ગરમ ગરમ લેપ લગાડવો અને જો શરીર જકડાઈ ગયું હોય તો રાઈના બારીક ચૂર્ણનું પ્લાસ્ટર લગાડવું (રાઈ એ અતિ તીક્ષ્ણ હોવાથી કોમળ ત્વચાવાળાએ સીધો લેપ ન લગાડતાં પાતળા બારીક કપડાંને વચ્ચે રાખીને લેપ કરવો.)
વાયુને કારણે,આમવાતને કારણે કે મૂઢમાર વાગવાથી થતાં દુખાવામાં રાઈના ચૂર્ણ નો લેપ તરત જ રાહત આપે છે.
૩. આમવાત – રુમેટોઈડ આર્થરાઈટીસમાં એકલી રાઈને અથવા રાઈનો ગૂગળની સાથે લેપ કરવાથી સોજો ઓછો થાય છે અને વેદનામાં પણ રાહત અનુભવાય છે.
૪. સોજા – આયુર્વેદ વર્ણવેલ કફજ અને વાતિક શોથમાં રાઈનો લેપ એ હિતકર છે
૫. ઉધરસ – કફજ કાસ (અતિશય કફ્વાળી ઉધરસ) માં સિંધાલૂણ અને સાકર સરખે ભાગે લઈ એક ગ્રામ પ્રમાણમાં મધ સાથે ચાટવાથી કફ છૂટો પડે છે અને ઊધરસ માં રાહત થાય છે .
૬. શરદી – રાઈનું ચૂર્ણ ચપટી ચપટી મધ સાથે ચાટતા રહેવું
૭. ઉદરશૂલ – પેટના દુખાવામાં તલતેલમાં રાઈ પીસીને પીવડાવવી અથવા તલતેલમાં પીસેલ રાઈમાં થોડું સંચળ મેળવીને પીવડાવવી.
૮. શીતત્વ –કોઈપણ કારણથી શરીર ઠંડુ પડી ગયું હોય ત્યારે આખા શરીર પર અને ખાસ કરીને હાથ પગને તળિયે હળવે હાથે રાઈના ચૂર્ણની માલિશ કરવાથી ગરમાવો પેદા થાય છે અને ફરીથી સંવેદના આવે છે.
૯. આંજણી – રાઈના ચૂર્ણને ઘીમાં મેળવી આંખમાં ન જાય તે રીતે આંજણી પર લેપ કરવો.
૧૦. કાચ – કાંટો – રાઈનું ચૂર્ણ ઘી-મધમાં મેળવીને લગાડવાથી કાચ કે કાંટો બહાર આવી જાય છે.
૧૧. અર્ધાંગ વાયુ – રાઈના ચૂર્ણના કલ્કથી સિધ્ધ કરેલ તલનાં તેલની માલિશ કરવાથી ફાયદો થાય છે.
૧૨. કર્ણશૂલ પર – કર્ણશૂલમાં બહારના ભાગે રાઈના ચૂર્ણનો લેપ કરવો.
૧૩. બાંબલાઈ – રાઈના ચૂર્ણ સાથે કબૂતરની હગારને પીસીને ગરમ કરીને લેપ કરવો અથવા ગોળ અને ગૂગળમાં રાઈ વાટીને લેપ કરવાથી બાંબલાઈ – બગલમાં થનારી ગાંઠ મટે છે.ગોળ, ગૂગળને વાટી રાઈ તેને શું કરશે બાંબલાઈ?
૧૪. વાઈ – રાઈના બારીક ચૂર્ણનું યુકિતપૂર્વક પ્રઘ્મન નસ્ય આપવાથી વાઈની મૂર્ચ્છામાં તુરત જ લાભ થાય છે.
૧૫. ચર્મરોગો – ચામડીના કફજ્ન્ય રોગો જેવાં કે ખસ, ખરજવું, ખંજવાળ, દાદર, સફેદ દાગ વગેરેમાં રાઈના ચૂર્ણને આઠગણા ધોયેલા ગાયના ઘીમાં મેળવીને લેપ કરવાથી રાહત થાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — રાઈ (Black Mustard Seed)
રાઈ (Black Mustard Seed) ના મુખ્ય ઔષધીય ગુણો શું છે?
રાઈ સોજો મટાડનાર, દુખાવો ઘટાડનાર, કૃમિઘ્ન, દીપન-પાચન કરાવનાર અને વાયુના શૂળનો નાશ કરનાર ગુણો ધરાવે છે.
ઝેર ચડ્યું હોય ત્યારે રાઈનો ઉપયોગ કેવી રીતે થાય?
એક ચમચો રાઈનો પાવડર પાણી સાથે પીવડાવવાથી ઊલટી થાય છે અને તેના દ્વારા ઝેર બહાર નીકળી જાય છે — પરંતુ ઝેરના ગંભીર કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલમાં જવું જ સૌથી અગત્યનું છે.
ચામડીના રોગોમાં રાઈ કેવી રીતે વાપરવી?
ખસ, ખરજવું, ખંજવાળ, દાદર જેવા ચામડીના રોગોમાં રાઈના ચૂર્ણને આઠગણા ધોયેલા ગાયના ઘીમાં મેળવીને લેપ કરવાથી રાહત મળે છે.
શરીરના દુખાવા અને શૂળમાં રાઈ કેવી રીતે ઉપયોગી છે?
શરીરના કોઈપણ ભાગના દુખાવામાં રાઈને બારીક પીસીને તેનો સહેજ ગરમ લેપ લગાડવાથી રાહત મળે છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps