દેવદાર (Cedrus Deodara)

દેવોનો પ્રદેશ એટલે હિમાચલ પ્રદેશ – હિમાલય પ્રદેશમાં થતું આ દેવોની જેમ જ ભદ્ર જણાતું, દેવોની ઊંચાઇની જેમ ૨૦૦-૨૫૦ ફૂટ ની ઊંચાઇ સુધી પહોંચનાર આ દેવદાર એ દિવ્ય છે.
ભદ્રદારું એ તેની કલ્યાણકારકતા – શ્રેષ્ઠતાનો નિર્દેશ કરે છે. શંકુ આકારનું ઉપરથી દેખાતું આ ૨૦૦-૨૫૦ ફૂટ ઊંચું વૃક્ષ એ ભવ્ય અને સુંદર દેખાય છે. ત્રીસ – ચાલીસ વર્ષનું થાય તે પછી તો તેને ફલ આવે છે. સો- બસો વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતું આ દેવદારનું વૃક્ષ જેમ જૂનું થાય તેમ વધુ ને વધુ મજબૂત બનાવે છે. તેલથી ભરપૂર હોવાથી તેનું લાકડું લીસું અને ચમકદાર જણાય છે. વળી સુગંધીદાર તેલ તેમાં હોવાથી તે વધારે આહ્લાદક જણાય છે.

Devdar wood
દેવદારનો ઉપયોગ અલગ – અલગ રીતે થાય છે. પ્રાય તે યજ્ઞ, હોમ, હવનમાં સમીધ તરીકે વપરાય છે તો તેનું મજબૂત લાકડું એ ધનવાન લોકોના ફર્નિચરની શોભા વધારે છે. તેમાંથી નિકળતા ટર્પેન્ટાઇન તેલ નો ઉપયોગ તો કલરકામથી લઇને અગણિત છે. વળી ધૂપ કરવાથી વાતાવરણને સુગંધિત બનાવનાર છે. આમ તેના ઉપયોગ જોઇએ તો પણ અતિમૂલ્યવાન દેવદાર એ વધુને વધુ ઉછેરવા યોગ્ય છે. જંગલોમાં તે સદીઓથી સચવાયેલું છે પન ભૌતિકતાનાં ભરડામાં કપાતાં જંગલોમાં તેની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે તે આપણાં માટે એક દુઃખદ સમાચાર છે. સરકાર પણ જો તેનો કોમર્શીયલ વિચાર કરીને વાવેતર કરવાનું શરૂ કરે તો આજે નહીં પણ સો- બસ્સો વર્ષ પછીની આપણી ચોથી-પાંચમી પેઢીમાં જો સંસ્કાર બચ્યા હશે તો અવશ્ય આશીર્વાદ આપશે – યાદ કરશે. પણ આજનું જ વિચારનારાં એ ભૂલી જાય છે કે જે આંબાની કેરી આજે ખાઇ રહ્યાં છીએ તે આંબો આપણે વાવ્યો જ નથી.


Cedrus Deodara ના લેટિન નામવાળું આ સંપૂર્ણ ભારતીય વૃક્ષ તેના ઔષધિય ગુણને કારણે વૈદ્યોનું હંમેશા પ્રિય જ રહ્યું છે. વાયુનો નાશ કરનાર, સ્તન્ય (ધાવણના દોષોને દૂર કરનાર) શોધન કર્મ ને કારણે ખાસ કરીને સુવાવડી સ્ત્રીઓ માટે એ એક આશીર્વાદ સ્વરૂપ જ છે.

લઘું ( હલકું) અને સ્નિગ્ધ ગુણ અને સ્વાદમાં કડવું દેવદારની મોટાભાગે છાલનો જ ઉપયોગ થાય છે. તે સ્વભાવે ઊષ્ણ છે અને પચવામાં તીખું છે.

વિવિધ કર્મોનો વિચાર કરીએ તો તે સોજા મટાદનાર, વેદના-સ્થાપક, વેદના દૂર કરનાર, કુષ્ઠઘ્ન – ચામડીના રોગોને દૂર કરનાર, કફ શામક, વ્રણરોપણ, કૃમિનો નાશ કરનાર, હ્રદયને ઉત્તેજીત કરનાર તેમજ સુગંધિ હોવાને કારણે કફને બહાર કાઢનાર અને કફની દુર્ગંધને દૂર કરનાર.
દેવદારૂં એ લેખન કર્મ કરનાર હોઇ સ્થૌલ્યના રોગોમાં પણ એક અક્સીર ઔષધ તરીકે વાપરી શકાય તેમ છે.
તેનો કુષ્ઠઘ્ન ગુણ એ વિવિધ પ્રકારના ત્વક્ વિકારને દૂર કરનાર છે અને સ્વેદજનન તરીકે પણ ઉપયોગી હોવાથી જ્વરાદિ અવસ્થામાં તેનું બાહ્ય – આભ્યંતર ઉપયોગ કરવામાં આવે છે.

devdar
ઉપયોગ – 
૧. ઉરુસ્તંભ પર – દેવદારને ઘસીને તેનો ગરમ લેપ કરવો.
૨. કફજ ગલગંડ ઉપર – દેવદાર અને ઇન્દ્રવારુણી ના મૂળ પાણીમાં વાટીને લેપ કરવો.
૩. સુવાવડી સ્ત્રી માટે – દેવદાર, તજ, કઠ, પીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ભોરીંગણી, ગોખરું. ધમાસો, અતિવિષ, ગળો,બીલી, શાહજીરૂં આ બધાનો ઉકાળો કરીને સુવાવડી સ્ત્રીને ખવડાવવાથી શૂળ (વેદના), શ્વાસ, ઉધરસ, તાવ, કફ, તરસ, અતિસાર, ઉલ્ટી, વગેરેમાં ફાયદો થાય છે.

૪. સ્થૌલ્ય – દેવદાર એ લેખન કર્મ કરે છે તેથી સ્થૂળતા મટાડવા માટે – વજન ઘટાડવા – વધારાની ચરબી દૂર કરવા માટે દેવદારની છાલનો ઉકાળો પીવા તથા દેવદારના બારિક ચૂર્ણનું ઉદ્વર્તન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. સાથે સાથે પથ્યપાલન તેટલું જ આવશ્યક છે.
૫. જવર – પરસેવો લાવનાર – સ્વેદજનન કર્મને લીધે તે તાપમાન ઘટાડે છે. દેવદારને લસોટીને તેનો આખા શરીરે લેપ કરવાથી તથા ઉકાળી પીવાથી તરત જ પરસેવો છૂટવા લાગે છે અને પરસેવો થવાને કારણે તીવ્ર સંતાપમાં રાહત થવા લાગે છે. વળી તે આમપાચન કરનાર હોવાથી જ્વરને મટાડવામાં પણ લાભદાયી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — દેવદાર

દેવદાર (Cedrus Deodara) શું છે?
દેવદાર એ હિમાલય પ્રદેશમાં થતું એક વિશાળ, સુગંધિત વૃક્ષ છે, જેનું લાકડું અને છાલ આયુર્વેદમાં ઔષધ તરીકે સદીઓથી વપરાય છે. તેને “ભદ્રદારુ” પણ કહેવામાં આવે છે.
દેવદારના મુખ્ય ઔષધીય ગુણો કયા છે?
દેવદાર કફશામક, વ્રણરોપણ (ઘા રુઝવનાર), કૃમિનાશક, હૃદયને ઉત્તેજીત કરનાર અને કુષ્ઠઘ્ન (ત્વચા રોગ મટાડનાર) ગુણ ધરાવે છે.
દેવદારનો ઉપયોગ વજન ઘટાડવા માટે કેવી રીતે થાય છે?
દેવદાર “લેખન કર્મ” કરે છે એટલે કે તે શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેની છાલનો ઉકાળો પીવાથી અને બારીક ચૂર્ણનું ઉદ્વર્તન (શરીરે ઘસવું) કરવાથી સ્થૂળતા ઘટાડવામાં ફાયદો થાય છે.
દેવદાર ત્વચા રોગોમાં કેવી રીતે ઉપયોગી છે?
તેનો કુષ્ઠઘ્ન ગુણ વિવિધ પ્રકારના ત્વચા વિકારો દૂર કરવામાં મદદ કરે છે, અને સ્વેદજનન (પરસેવો લાવનાર) ગુણને કારણે તાવ જેવી અવસ્થામાં પણ તેનો બાહ્ય-આભ્યંતર ઉપયોગ થાય છે.
દેવદારનો ઉપયોગ બીજી કઈ સ્થિતિઓમાં થાય છે?
ઉરુસ્તંભ (સાથળનો જકડાવો), કફજ ગલગંડ, અને સુવાવડ પછીની સ્ત્રીઓ માટેના ઉકાળામાં પણ દેવદારનો ઉપયોગ અન્ય ઔષધો સાથે કરવામાં આવે છે.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext