🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: What Is the Purpose of Sanskar? – The Sixteen Sanskars (2)
हिंदी: संस्कार का हेतु क्या है – षोडश संस्कार (२)
મનુષ્યજીવન અતિ મૂલ્યવાન છે. પશુ-પક્ષીની યોનિને બદલે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ આપણું સૌભાગ્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિ – વૈદિક સંસ્કૃતિ માને છે કે સેંકડો જન્મો પછી આ મનુષ્ય દેહ મળે છે. આ મનુષ્ય જન્મની સાથે ભગવાન, સમાજ, કુટુંબ, નિસર્ગ વગેરેની આપણી પાસે કેટલીક અપેક્ષાઓ રહે છે. તેથી આવનારી પેઢીને, મનુષ્ય જન્મ લેનાર દરેક જીવને વધુ સુસંસ્કૃત, સુદૃઢ, સ્વચ્છ, નિર્મળ અને સુંદર બનાવવાની જવાબદારી આપણી છે.
ભગવાને સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. તેના પર પર્વત, સરિતા અને સુંદર ખીણોનું નિર્માણ કરીને તેને વધુ સુશોભિત કરી. માત્ર વૃક્ષ-વનસ્પતિ ન બનાવતાં તેના પર સુગંધિત, રંગબેરંગી અને મનને પ્રફુલ્લિત કરે એવાં પુષ્પોનું પણ નિર્માણ કર્યું. આ જ રીતે જો આ સૃષ્ટિ પર અવતરેલા જીવને વિવિધ સંસ્કારો દ્વારા ગુણવાન, ચારિત્ર્યવાન, બુદ્ધિમાન અને ભાવવાન બનાવવામાં આવે તો મનુષ્ય જીવન યથાર્થ બને. એટલું જ નહીં, ભગવાને આપણને જે જીવ વિકસાવવા આપ્યો છે તેનાથી ભગવાન – સૃષ્ટિ – સમાજ આનંદિત અને પ્રસન્ન થાય એવો બનાવવાની જવાબદારી પણ આપણી છે.
કયાં માતા-પિતા નથી ઇચ્છતાં કે પોતાનું સંતાન રામ, કૃષ્ણ, હનુમાન, લક્ષ્મણ, ભરત, નચિકેતા જેવું ગુણવાન, ચારિત્ર્યવાન, કર્તૃત્વવાન અને શીલવાન બને? પરંતુ તેના માટે પરિશ્રમ ઉઠાવવો પડે છે. દૂધપાક માટે માત્ર દૂધ જ પૂરતું નથી; દૂધને સાકર – એલચી – જાયફળ – જાવંત્રીથી સંસ્કારિત કરવું પડે છે, ત્યારે જ ઉત્તમ દૂધપાક બને છે. આ જ રીતે સામાન્ય જીવને પણ વિવિધ સંસ્કારોથી સંસ્કારિત કરવામાં આવે તો જ તે શ્રેષ્ઠ જીવન જીવી શકે છે. સમાજ-રાષ્ટ્રના ભવિષ્ય માટે, અંગત જીવનમાં શાંતિ – સુખ – સમાધાન માટે અને આવનારી પેઢીઓમાં સંસ્કારનું સિંચન કરવા માટે આવો પરિશ્રમ કરવો આવશ્યક છે.
આવા સંસ્કારો માટે આપણા વૈદિક વાઙ્મયમાં અનેક વાતો લખાયેલી છે, જે સમયની કસોટીએ ખરી ઊતરેલી છે. બસ, આ વાતો સમજીને તેનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરીએ એ જ આપણા ઋષિઓની અપેક્ષા રહી છે. સંસ્કાર ઘડતર અને સંસ્કાર સિંચન – બંને માટે સૌથી પહેલાં માતા-પિતાએ તૈયાર થવાનું છે.
ચરક અનુસાર સંસ્કારની વ્યાખ્યા
करणं पुनः स्वाभाविकानां द्रव्याणामभिसंस्कारः।
संस्कारो हि गुणान्तराधानमुच्यते ॥ (च.वि. अ.१)
દ્રવ્યના ગુણમાં સંસ્કારથી બદલાવ આવી શકે છે અને તેનો સ્વભાવ પણ બદલી શકાય છે, તો મનુષ્યજીવનમાં પણ સંસ્કાર સ્વાભાવિક રીતે પરિણામ લાવી શકે છે. આજે કૃષિ વિજ્ઞાન તરેહતરેહના આવિષ્કારો કરીને ઉત્તમ પ્રકારનાં શાકભાજી – ફળ – પુષ્પ ઉત્પન્ન કરવા અનેકવિધ પ્રયાસો કરે છે; એટલું જ નહીં, ઉત્તમ સ્વાદ, સુગંધ અને વધુ ઉત્પાદનની અપેક્ષા રાખે છે. તો પછી જે આપણા જીવનનો, પરિવારનો અને સમાજનો ભાગ છે એવા સંતાનની શ્રેષ્ઠતા બાબતે આપણે ઉદાસીન ન રહેતાં ઉત્કૃષ્ટ જીવન માટે આગ્રહી બનવું જોઈએ.
ભગવાને આપેલું આ સંતાન એક રેખાચિત્ર જેવું છે, જેમાં વિવિધ રંગો પૂરીને આપણે તેને સુંદર બનાવી શકીએ છીએ. દોષ દૂર કરવા અને ગુણોનો આવિર્ભાવ કરવો એ સંસ્કારના મુખ્ય ઉદ્દેશ છે. સમાજમાં જે કલંકિત કે દુષ્ટ છે તેને પણ પોતાનું સંતાન સંસ્કારી અને ગુણવાન બને એવી અપેક્ષા હોય છે. અધ્યાત્મની દૃષ્ટિએ દરેક વ્યક્તિનો ભગવાન સાથે સંબંધ છે અને તેથી જ સારા બનવાની તમન્ના મનમાં હોય છે.
સંસ્કારો પાછળની વૈદિક દૃષ્ટિ
આ સંસ્કારોનો આવિર્ભાવ વૈદિક ઋષિઓની ઉચ્ચ મનોવૈજ્ઞાનિક સમજનું દર્શન છે. તેથી જ વૈદિક ક્રિયાકર્મોમાં પણ સંસ્કારોને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ઇચ્છિત અને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય અને બાળક ગુણવાન, ઐશ્વર્યવાન અને આરોગ્યવાન બને એ આ સંસ્કારોનું પ્રયોજન છે.
સોળ સંસ્કાર
શાસ્ત્રવર્ણિત સંસ્કારોમાં જન્મથી મૃત્યુ સુધી અનેકવિધ સંસ્કારો છે, જેમાં સોળ સંસ્કાર મુખ્ય છે:
- ગર્ભાધાન સંસ્કાર
- પુંસવન સંસ્કાર
- સીમંતોન્નયન સંસ્કાર
- જાતકર્મ સંસ્કાર
- નામકરણ સંસ્કાર
- નિષ્ક્રમણ સંસ્કાર
- અન્નપ્રાશન સંસ્કાર
- ચૌલ – ઉપનયન સંસ્કાર
- ચાર પ્રકારના વેદવ્રત સંસ્કાર
- કેશાંત
- સમાવર્તન
- વિવાહ સંસ્કાર
ગર્ભાધાનથી સીમંતોન્નયન સુધીના સંસ્કાર શ્રેષ્ઠ બાળકના પ્રયોજન માટે છે; તે બાળકના જન્મ પહેલાં શરૂ થાય છે અને માતા પર કરવામાં આવે છે. જાતકર્મથી ઉપનયન સુધીના સંસ્કાર સ્વયં બાળક પર કરવામાં આવે છે, જ્યારે ઉપનયનથી સમાવર્તન સુધીના સંસ્કાર આચાર્ય દ્વારા કરવામાં આવતા. વિવાહ સંસ્કાર વડીલો અને સ્નેહીજનોની ઉપસ્થિતિમાં સ્વસ્થ અને સમજદાર યુવક-યુવતી વચ્ચે કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ સંસ્કાર અને વંશ આગળ વધારવાની સાથે ઉત્તમ અને ગુણવાન સંતાનોની ઉત્પત્તિ છે.
આ રીતે સ્વસ્થ બાળકની ઉત્પત્તિથી લઈને આજીવન સ્વસ્થ રહેવું અને તેના દ્વારા મજબૂત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એવી ભાવના સાથે આ સંસ્કારોનું વર્ણન આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
સંસ્કાર શબ્દનો અર્થ શું છે?
ચરક સંહિતા અનુસાર “સંસ્કારો હિ ગુણાન્તરાધાનમુચ્યતે” – એટલે કે સંસ્કાર એવી પ્રક્રિયા છે જે કોઈ વસ્તુ કે વ્યક્તિના ગુણોમાં બદલાવ લાવીને તેને શ્રેષ્ઠ બનાવે છે.
સંસ્કારોનો મુખ્ય ઉદ્દેશ શું છે?
દોષ દૂર કરવા અને ગુણોનો આવિર્ભાવ કરવો એ જ સંસ્કારોનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી સંતાન ગુણવાન, ઐશ્વર્યવાન અને આરોગ્યવાન બને.
સોળ સંસ્કાર કયા કયા છે?
ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ-ઉપનયન, ચાર વેદવ્રત સંસ્કાર, કેશાંત, સમાવર્તન અને વિવાહ – આ સોળ મુખ્ય સંસ્કાર છે.
કયા સંસ્કાર બાળકના જન્મ પહેલાં કરવામાં આવે છે?
ગર્ભાધાનથી સીમંતોન્નયન સુધીના સંસ્કાર બાળકના જન્મ પહેલાં માતા પર કરવામાં આવે છે, જેથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય.
વિવાહ સંસ્કારનો ઉદ્દેશ શું છે?
વિવાહ સંસ્કારનો ઉદ્દેશ વંશ પરંપરાને આગળ વધારતાં ઉત્તમ અને ગુણવાન સંતાનની ઉત્પત્તિ કરવાનો છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps